CaptureNews
sports

Asian games 2026: સિલ્વરના જોરે ભારત ચોથા નંબરે, ચીન ટોચ પર

એશિયન ગેમ્સ 2026માં ભારતે 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ સહિત કુલ 85 મેડલ સાથે ચોથું સ્થાન મેળવ્યું. ભારતના ખાતામાં 21 ગોલ્ડ આવ્યા, પરંતુ મેડલ ટેબલમાં માત્ર ગોલ્ડની સંખ્યા જ નહીં, ગોલ્ડ સમાન હોય ત્યારે સિલ્વરની સંખ્યા પણ સ્થાન નક્કી કરવામાં મહત્વની રહી. ભારત અને ઉઝબેકિસ્તાન બંનેએ 21 ગોલ્ડ જીત્યા હતા, પરંતુ ભારતના 27 સિલ્વર સામે ઉઝબેકિસ્તાન પાસે 25 સિલ્વર હતા. એટલે ભારતે ચોથું સ્થાન મેળવ્યું.

ભારતથી આગળ કોણ રહ્યું?

મેડલ ટેબલમાં ચીન પ્રથમ, જાપાન બીજા અને દક્ષિણ કોરિયા ત્રીજા સ્થાને રહ્યા. ચીને સૌથી વધુ 169 ગોલ્ડ સાથે આખી ટૂર્નામેન્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. જાપાન 73 ગોલ્ડ સાથે બીજા અને દક્ષિણ કોરિયા 33 ગોલ્ડ સાથે ત્રીજા સ્થાને રહ્યું. ભારતના 21 ગોલ્ડ રહ્યા. અર્થાત ગોલ્ડની બાબતમાં ભારત અને ચીન વચ્ચે 148 ગોલ્ડનો, ભારત અને જાપાન વચ્ચે 52 ગોલ્ડનો, જ્યારે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે 12 ગોલ્ડનો તફાવત રહ્યો. ભારતની પાછળ રહેલા ઉઝબેકિસ્તાને પણ 21 ગોલ્ડ જીત્યા, પરંતુ ઓછા સિલ્વર હોવાથી તે પાંચમા સ્થાને રહ્યું.

ચોથા સ્થાન માટે ઉઝબેકિસ્તાન સાથે છેલ્લે સુધી ટક્કર

ભારત માટે સૌથી મહત્વની રેસ ચોથા સ્થાનની રહી. ટૂર્નામેન્ટના અંતિમ તબક્કામાં ભારત પાંચમા સ્થાને હતું અને તેની ઉપર ઉઝબેકિસ્તાન હતું. બંને દેશો વચ્ચે ગોલ્ડ મેડલની સંખ્યા નજીક હતી. અંતિમ દિવસે ભારતે હોકીમાં મલેશિયાને 5-1થી હરાવીને 21મો ગોલ્ડ જીત્યો. ત્યારબાદ ભારત અને ઉઝબેકિસ્તાન બંનેના ગોલ્ડની સંખ્યા 21 થઈ ગઈ. અહીં સિલ્વર મેડલ નિર્ણાયક બન્યા. ભારતે 27 સિલ્વર જીત્યા હતા, જ્યારે ઉઝબેકિસ્તાન પાસે 25 સિલ્વર હતા. આ રીતે ભારતે ચોથું સ્થાન પોતાના નામે કર્યું.

ભારતના 85 મેડલ ક્યાંથી આવ્યા?

ભારતની 85 મેડલની ટેલી માત્ર એક-બે રમતોના પ્રદર્શનથી બની નથી. ભારતે 20 અલગ-અલગ રમતોમાં મેડલ જીત્યા. એથ્લેટિક્સ ભારત માટે સૌથી વધુ મેડલ લાવનારી રમતોમાં રહી, જ્યારે હોકી, ક્રિકેટ, તીરંદાજી, કુસ્તી, શૂટિંગ, બોક્સિંગ, ગોલ્ફ સહિતની રમતોમાં પણ ભારતે મહત્વના મેડલ જીત્યા. ભારતના 21 ગોલ્ડમાંથી અંતિમ દિવસે હોકી, ક્રિકેટ, કુસ્તી, તીરંદાજી અને ગોલ્ફે મહત્વનો ફાળો આપ્યો.

2022 કરતાં આ વખતે ભારતની ટેલી કેવી રહી?

2022ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 40 બ્રોન્ઝ સહિત કુલ 106 મેડલ જીત્યા હતા અને ત્યારે પણ ભારત ચોથા સ્થાને રહ્યું હતું. આ વખતે ભારતના ગોલ્ડ 28થી ઘટીને 21 થયા છે, જ્યારે કુલ મેડલ 106થી ઘટીને 85 થયા છે. એટલે 2022ની સરખામણીમાં ભારતે 7 ઓછા ગોલ્ડ અને કુલ 21 ઓછા મેડલ જીત્યા. તેમ છતાં ભારતે સતત બીજી એશિયન ગેમ્સમાં મેડલ ટેબલમાં ચોથું સ્થાન જાળવી રાખ્યું.

ભારત માટે એશિયન ગેમ્સ 2026ની સૌથી મોટી વાત એ રહી કે 21 ગોલ્ડ સાથે ચોથું સ્થાન મળ્યું. ભારતની આગળ ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા રહ્યા, જ્યારે ઉઝબેકિસ્તાન સાથે ગોલ્ડમાં બરાબરી હોવા છતાં વધુ સિલ્વર મેડલના કારણે ભારતે ચોથું સ્થાન મેળવ્યું. આમ ભારતે અંતિમ દિવસે મળેલા ગોલ્ડના કારણે ટોપ-4માં પોતાની જગ્યા પાકી કરી અને 85 મેડલ સાથે એશિયન ગેમ્સનું અભિયાન પૂર્ણ કર્યું.

આ પણ વાંચો: Asian games: એક જ દિવસમાં 5 ગોલ્ડનો ધમાકો, ભારતે એશિયન ગેમ્સમાં 9 મેડલ સાથે અભિયાન પૂરું કર્યું

Original source: sandesh.com →